"માતૃભાષા ની મીઠાશ તો જુઓ.........
ખારા નમકને પણ 'મીઠું' કહીએ છીએ "
"સંસ્કૃત છે ધર્મની ભાષા , અંગ્રેજી વેપારે વપરાય.
હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય".
મિત્રો ,
એક સરસ અવસર આવી રહ્યો છે. આપણી માતૃભાષાને વધાવવાનો, માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો, કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ?..
૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.પરંતુ હું તો અને ઉજવણી નો દિવસ કહીશ.આપણે આપણી ભાષા માટે આજે ગૌરવ લેશું.
ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.જે ભાષાએ આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે. માતૃભાષામાં બોલેલ વાક્ય-હૃદયને સ્પર્શી જાય છે? જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું, મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.આ ભાવ આંખ અને, દિલ જે અનુભવે છે ત્યારે તેની અસર ચિરકાળ રહે છે. કોઈપણ વ્યક્તિને ગમે તેટલી ભાષા નું જ્ઞાન હોય પણ તેને વિચારો કે સપના તો તેને પોતાની માતૃભાષામાં જ આવતા હોય છે.ભલે પછીથી તેના વિચારો તે ગમે તે ભાષાઓમાં રજુ કરે .પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું, માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.મા,માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! ટુકમાં માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાનો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ.ઇંગ્લીશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય
“છતે મા,પારકી મા સારી લાગે ખરી ?”,
કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.અને એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
આજરોજ અમારી પ્રાથમિક કુમાર શાળા નંબર ૮ સિદ્ધપુર માં વિશ્વ માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ એ વકતૃત્વ સ્પર્ધા તથા માતૃભાષા ગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક બાળકને બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા .







No comments:
Post a Comment